દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં આવેલા મીઠોઇ ગામ નજીક હાઇવે પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય અને ખળભળાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહ જોઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ખંભાળિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. પ્રાથમિક તબક્કે હત્યા કે અકસ્માત જેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજ, સ્થાનિક લોકોની પૂછપરછ તેમજ અન્ય ટેકનિકલ માહિતીના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.