DYSP વિરલ ચંદનની કડક ચેતવણી ,173 રીઢા ગુનેગારોની હાજરી પરેડ...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આગામી ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા ડિવિઝનના પોલીસ વડા DYSP વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કાર્યવાહીમાં કુલ 173 રીઢા ગુનેગારોને પોલીસ સમક્ષ હાજર રાખવામાં આવ્યા હતા.
સાવરકુંડલામાં 173 રીઢા ગુનેગારોની હાજરી પરેડ, DYSP વિરલ ચંદનની કડક ચેતવણી.
મળતી માહિતી મુજબ, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ હાજરી પરેડમાં સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, લીલીયા અને વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના હિસ્ટ્રીશીટરો, બૂટલેગરો, GUJCTOC હેઠળના આરોપીઓ, વ્યાજખોરી કરતા તત્વો તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા કુલ 173 વ્યક્તિઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
હાજરી પરેડ દરમિયાન પોલીસે તમામ વ્યક્તિઓની હાજરીની નોંધ કરી હતી. સાથે જ તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે પૂછપરછ કરીને તેઓ ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી તેની પણ ખરાઈ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેક વ્યક્તિને કાયદાનું પાલન કરવાની અને સમાજમાં શાંતિ જાળવવાની સમજ આપવામાં આવી હતી.
DYSP વિરલ ચંદને હાજરી પરેડ દરમિયાન તમામ ગુનેગારોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે આગામી ધાર્મિક અને સામાજિક તહેવારો દરમિયાન જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ અથવા અન્ય કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર કામગીરી દરમિયાન સાવરકુંડલા ટાઉન, રૂરલ, લીલીયા અને વંડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આવી હાજરી પરેડનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ રાખવું, સંભવિત ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવી અને તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવાનો છે.
પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા નિવારક પગલાં અને દેખરેખની કામગીરી ચાલુ રાખવામાં આવશે, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત રહી શકે.