ગૌ માતાના પૂજન સાથે 'ઈવી સિલ્વર' જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન...

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા 'ઈવી સિલ્વર' નામના નવા જ્વેલરી શોરૂમનો ભવ્ય શુભારંભ અનોખી અને આધ્યાત્મિક રીતે કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય આગેવાનો અથવા વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ અહીં ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને પ્રાધાન્ય આપીને ગૌ માતાના પૂજન સાથે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સુરતના વેસુમાં ગૌ માતાના પૂજન સાથે જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન, સનાતન પરંપરા મુજબ અનોખો શુભારંભ

શોરૂમ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના યોજાઈ હતી. વિધિવત્ પૂજન બાદ ગૌ માતા પર પુષ્પવર્ષા કરીને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌ માતાના પવિત્ર પગલાં શોરૂમની અંદર પડાવી નવા વ્યવસાયનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનો અને ભક્તોએ ગૌ માતાના આશીર્વાદ મેળવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોના ગુંજતા સ્વરે આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગૌ-સેવાના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો હતો. પરંપરાગત રીત-રિવાજો સાથે નવા વ્યવસાયની શરૂઆત કરવાથી શુભતા અને સકારાત્મકતાનો સંદેશ મળે છે તેવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જવેલર્સ ગ્રુપના પ્રતિનિધિ મિત કરકરે જણાવ્યું હતું કે વ્યવસાયની શરૂઆત આધ્યાત્મિક આશીર્વાદ સાથે થાય તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગૌ સેવક રમેશ રૂદાણીએ ગૌ-સેવાના મહત્વ અંગે માહિતી આપતાં સમાજમાં ગૌ સંરક્ષણ અને ગૌ-સેવાના સંદેશને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ અનોખા ઉદ્ઘાટન સમારોહે સ્થાનિકોમાં પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પરંપરાગત રીતે યોજાયેલા આ શુભારંભની પ્રશંસા કરી હતી. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયું હતું...