સુરત માંડવી તાલુકાના ઘંટોલી ગામમાં આવેલ એક બંધ શેરડીના કોલામાં સ્ટોર કરાયેલા બગાસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.માંડવી તાલુકાના ઘંટોલી ગામમાં આવેલ લલ્લુભાઈ આહીરના બંધ શેરડીના કોલામાં સ્ટોર કરાયેલા બગાસમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જાણ થતાં માંડવી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ સવારે આશરે 10:30 કલાકે લાગેલી આગ પર રાત્રે 11:00 વાગ્યા સુધી સતત પ્રયાસો બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતાં માંડવી મામલતદાર, સર્કલ ઓફિસર યોગેશભાઈ તેમજ અન્ય અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે બગાસને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ કામગીરીમાં ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.