અરવલ્લી જિલ્લા LCBની ટીમે મોડાસા કોલેજ રોડ વિસ્તારમાંથી સલમાનખાન ઉર્ફે રાધુ કયુમખાન પઠાણ અને વિક્રમભાઈ ચીમનભાઈ દંતાણી, બંને મહેમદાવાદના રહેવાસીઓની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 10.500 ગ્રામ વજનની રૂ. 97,600 કિંમતની સોનાની ચેઇન કબજે કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ભિલોડા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ 2026ના સોનાની ચેઇન ચોરીના બે ગુનાઓ પણ ઉકેલાયા હોવાનું સામે આવ્યું છે.તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ઓટોરિક્ષાની નંબર પ્લેટ કાઢી નાખતા અને વૃદ્ધ તેમજ એકલદોકલ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી વાતોમાં ભોળવતા હતા. ત્યારબાદ બેઠક બદલવાના બહાને તેમનું ધ્યાન ભટકાવી ગળામાંથી સોનાની ચેઇન કાપી લઈ રસ્તામાં ઉતારી ફરાર થઈ જતા હતા.આ ગુનામાં આશાબેન ચંદુભાઈ દેવીપુજક અને અજીમમીયા ઉર્ફે શાહરૂખ સમસુમિયા મલેક હજુ ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા બંને આરોપીઓ સામે અમદાવાદ, મહેસાણા, નવસારી, બિલીમોરા અને મોડાસા સહિત રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચેઇન ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.