હર્ષ સંઘવીની અપીલ બાદ ,સુરત પૂરગ્રસ્તોને નવા કપડાંનું વિતરણ..
સુરતમાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ આશ્રય ગૃહોમાં રહેતા અસરગ્રસ્ત નાગરિકોની મદદ માટે માનવતાભરી પહેલ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ બાદ સુરત પોલીસ દ્વારા ડીંડોલી વિસ્તારના આશ્રય ગૃહમાં રહેતા અસરગ્રસ્ત અને ઘરવિહોણા લોકોને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિને બે-બે જોડી નવા કપડાં આપવામાં આવતાં અસરગ્રસ્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં પૂરગ્રસ્તોને નવા કપડાંનું વિતરણ, નાયબ મુખ્યમંત્રીની અપીલ બાદ ડીંડોલી પોલીસની સેવા
મળતી માહિતી મુજબ, ભારે વરસાદ બાદ અનેક પરિવારોને પોતાના ઘર છોડીને આશ્રય ગૃહોમાં રહેવાની ફરજ પડી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ડીંડોલી સ્થિત આશ્રય ગૃહમાં પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે ત્યાં રહેતા લોકોની સ્થિતિ જાણી હતી અને તેમને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ આશ્રય ગૃહમાં રહેતા લોકોને નવા કપડાં ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપી હતી. તેમની આ અપીલને ધ્યાને લઈને સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ડીંડોલી પોલીસ દ્વારા આશ્રય ગૃહમાં રહેતા દરેક અસરગ્રસ્ત નાગરિકને બે-બે જોડી નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નવા કપડાં મળતાં પૂરથી ઘરવિહોણા બનેલા લોકોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી. અસરગ્રસ્તોએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં મળેલી આ મદદ તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. તેમણે રાજ્ય સરકાર, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કામગીરી દરમિયાન ડીંડોલી પોલીસના કર્મચારીઓએ આશ્રય ગૃહમાં રહીને વ્યવસ્થિત રીતે કપડાંનું વિતરણ કર્યું હતું. પોલીસ દ્વારા માનવતાભર્યા અભિગમ સાથે કરવામાં આવેલી આ સેવા સ્થાનિક લોકોમાં પણ પ્રશંસાનો વિષય બની છે.
પૂર બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરી સાથે માનવતાલક્ષી સેવાઓ પણ સતત ચાલુ છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય ઝડપથી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.