સુરતના હીરાબાગ સર્કલ પર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલો નવો રેમ્પ પૂર્ણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો નથી. લોકોનો આક્ષેપ છે કે ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવામાં આવી રહી છે, જ્યારે લાખો વાહનચાલકો રોજ ટ્રાફિકમાં પરેશાન થઈ રહ્યા છે.વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ પર ટ્રાફિકનો બોજ ઘટાડવા માટે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો એન્ટ્રી રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 556.87 મીટર લાંબા અને 6.5 મીટર પહોળા આ રેમ્પ પાછળ 16.43 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ રેમ્પના કારણે વરાછા ઉપરાંત વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ વિસ્તારના અંદાજે 7 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળવાની આશા છે. વર્ષ 2019માં ઉત્રાણ-ગરનાળા અગ્નિકુમાર રોડને જોડતો બ્રિજ શરૂ થયા બાદ હીરાબાગ જંક્શન અને કાપોદ્રા-ઉત્રાણ બ્રિજ પર સતત ટ્રાફિકનો દબાણ વધ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ રેમ્પ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે અને કેટલાક લોકોએ તેનો ઉપયોગ શરૂ પણ કરી દીધો હતો. જોકે બાદમાં અધિકારીઓએ બ્રિજ પર મોટા સિમેન્ટના બ્લોક મૂકી વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ મોટા નેતા દ્વારા રીબીન કાપ્યા વગર બ્રિજ ખુલ્લો મુકવામાં નહીં આવે.સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો રેમ્પ ખરેખર જનતાની સુવિધા માટે બનાવવામાં આવ્યો હોય તો તેને તાત્કાલિક જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવો જોઈએ.
હીરાબાગ સર્કલ પર ટ્રાફિકના ઉકેલ વલ્લભાચાર્ય રોડ પાસે નવો 557 મીટરનો રેમ્પ તૈયાર પણ ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવાય..