અમરેલી જિલ્લાના જાફરાબાદ, શિયાળબેટ અને ચાંચબંદર વિસ્તારના માછીમારો માટે ચોમાસાનો સમય વેકેશન સમાન ગણાય છે. દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવાથી હાલ માછીમારો પોતાની બોટોના સમારકામ અને રિનોવેશનની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.જાફરાબાદ બંદર પર હાલ મોટી સંખ્યામાં ફિશિંગ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવાથી જાફરાબાદ પંથકની અંદાજે 700 જેટલી બોટો હાલ બંદર પર ઉભી છે.આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાની બોટોના રિનોવેશન, કોલ્ડ સ્ટોરેજના સમારકામ, માછીમારીની જાળીઓના રિપેરિંગ સહિતની વિવિધ કામગીરીઓ હાથ ધરી રહ્યા છે.ખારવા અને કોળી સમાજના માછીમારો માટે આ સમયગાળો બોટોની મરામત સાથે લગ્ન પ્રસંગો અને અન્ય વ્યવહારિક કામો પૂર્ણ કરવાનો પણ સમય ગણાય છે.જાફરાબાદ બંદર પર હાલ લાકડાની તેમજ ફાઈબરની બોટોના સમારકામનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.માછીમાર બોટ એસોસિએશનના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ બાદ સરકાર દ્વારા ફિશિંગ માટે મંજૂરી આપવામાં આવશે. તે પહેલાં જાળના રિપેરિંગ અને બોટોની જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.મોટી બોટોને ક્રેનની મદદથી દરિયામાંથી બહાર કાઢી કિનારે લાવી સમારકામ કરવામાં આવી રહ્યું છે. હાલ જાફરાબાદ બંદર પર અંદાજે 150 થી 200 જેટલી બોટોમાં સમારકામની કામગીરી ચાલી રહી છે.ચોમાસું પૂર્ણ થયા બાદ 15 ઓગસ્ટથી ફરી એકવાર આ બોટો દરિયો ખેડવા નીકળશે અને માછીમારીનો વ્યવસાય ફરીથી ધમધમતો બનશે.