સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુડા આવાસને લઈને રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર બે વર્ષ પહેલાં લોકોને ફાળવાયેલા આવાસ હવે જર્જરીત બનતા રહિશોમાં ભયનો માહોલ છવાયો છે. આવાસના ટાઇલ્સ અને પોપડા ઉખડવા લાગતા લોકો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.જહાંગીરપુરા ખાતે આવેલા સુડા આવાસમાં વર્ષ 2024 દરમિયાન હજારો લોકોને વસવાટ માટે મકાનો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ માત્ર એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2025માં જ બિલ્ડિંગોની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.રહિશોના જણાવ્યા અનુસાર આવાસની દિવાલોના પોપડા ઉખડવા લાગ્યા છે, જ્યારે ટાઇલ્સ પણ તૂટી અને છૂટી રહી છે. જેના કારણે અહીં રહેતા પરિવારોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં કુલ 24 જેટલી બિલ્ડિંગો આવેલી છે, જેમાં 10 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. રહિશોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી તેઓ જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે.આવાસના લોકોએ અનેક વખત સુડા ભવન ખાતે રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે આજે ફરી મોટી સંખ્યામાં રહિશો પોતાની સમસ્યા રજૂ કરવા માટે સુડા ભવન પહોંચ્યા હતા.રહિશોએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે.