સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસથી બિનવારસી હાલતમાં પડેલી મહાનગરપાલિકાની કચરાની ગાડીમાં અકસ્માત સર્જાતા વિવાદ ઉભો થયો છે. અકસ્માત બાદ ગાડીની અંદર શંકાસ્પદ માંસ જેવો પદાર્થ દેખાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે દિવસથી બિનવારસી હાલતમાં ઉભેલી સુરત મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ગાડી પાછળથી એક વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ગાડીની અંદર શંકાસ્પદ માંસ જેવો પદાર્થ જોવા મળતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને મામલે યોગ્ય તપાસની માંગ ઉઠાવી હતી.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે લોકોને સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.હાલ મહાનગરપાલિકાની ટીમ કચરાની ગાડી લઈને રવાના થઈ ગઈ છે, જ્યારે ગાડીમાંથી મળેલા શંકાસ્પદ માંસ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.