"કૈલાશ મીઠાઈની કાજુકતરીમા ફૂગ હોવાનો આક્ષેપ, ફૂડ વિભાગની તપાસ"

કૈલાશ મીઠાઈ કાજુ કતરીની ગુણવત્તાને લઈને સુરતના નાનપુરા વિસ્તારમાં વિવાદ સામે આવ્યો છે. ભાજપના એક મહિલા કોર્પોરેટરે કૈલાશ મીઠાઈની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાં ફૂગ અને ચીકાશ જોવા મળ્યાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ બાદ ફૂડ વિભાગના અધિકારીઓ દુકાન પર પહોંચ્યા હતા અને મીઠાઈના જથ્થાની તપાસ હાથ ધરી હતી. આ મામલે મહિલા કોર્પોરેટરે ગ્રાહકોના સ્વાસ્થ્યને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે.

કાજુ કતરીમાં ફૂગ અને ચીકાશ હોવાનો આક્ષેપ

મળતી માહિતી પ્રમાણે મહિલા કોર્પોરેટરે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જાણીતી કૈલાશ મીઠાઈની દુકાનમાંથી કાજુ કતરી ખરીદી હતી. મીઠાઈ લઈને ઘરે પહોંચ્યા બાદ કાજુ કતરીમાં ફૂગ અને ચીકાશ જોવા મળી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

ત્યારબાદ મહિલા કોર્પોરેટર મીઠાઈ લઈને દુકાન પર પરત પહોંચ્યાં હતાં અને સમગ્ર મામલે ફરિયાદ કરી હતી. દુકાન સંચાલક દ્વારા આશરે દોઢ કિલો મીઠાઈ પરત લઈને તેના પૈસા પરત આપવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.

આ મામલો અહીં અટક્યો નહોતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ ફૂડ વિભાગને કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ ફૂડ વિભાગના અધિકારીઓ કૈલાશ મીઠાઈની દુકાન પર પહોંચ્યા હતા અને ત્યાં રાખવામાં આવેલા મીઠાઈના જથ્થાની તપાસ હાથ ધરી હતી.

એક્સપાયરી તારીખ વગરની મીઠાઈ મળ્યાનો દાવો

ફૂડ વિભાગની તપાસ દરમિયાન દુકાનમાં રાખવામાં આવેલી કેટલીક મીઠાઈઓ પર એક્સપાયરી તારીખ ન હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન જણાતાં સંબંધિત મીઠાઈનો નાશ કરવામાં આવ્યો અને દુકાન સામે પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે.

મહિલા કોર્પોરેટરે સમગ્ર મામલે દુકાન સંચાલન સામે ગંભીર આક્ષેપો કરતાં ગ્રાહકોને આપવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે.

આ સાથે કૈલાશ મીઠાઈની દુકાનમાં રાખવામાં આવતી મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ફૂડ વિભાગ દ્વારા નિયમિત રીતે તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે.

મહત્વનું છે કે કાજુ કતરીમાં ફૂગ અને ચીકાશ હોવાની વાત ફરિયાદકર્તા મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલો આક્ષેપ છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ફરિયાદ બાદ ફૂડ વિભાગે દુકાનમાં તપાસ હાથ ધરી હતી.