સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં બનાવટી ઘી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. નવાગામ ઉદ્યોગનગરમાં આવેલ એક ડેરી પ્રોડક્ટ્સ એકમમાં “ગાયનું શુદ્ધ ઘી”ના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલનું મિશ્રણ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડી આશરે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગરમાં આવેલ આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના એકમમાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડા પાડી બનાવટી અને શંકાસ્પદ ઘી બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. PSI એ.એન. ચૌહાણ અને એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન મોટી માત્રામાં પામ ઓઇલ અને વનસ્પતિ તેલ મિક્સ કરી “ગાયનું શુદ્ધ ઘી” તરીકે પેકિંગ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સ્થળ પર બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં માલિક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી મેળવેલા લાયસન્સનો દુરુપયોગ કરી ભેળસેળયુક્ત ઘી બજારમાં વેચાતું હોવાનું સામે આવ્યું છે.દરોડા દરમિયાન પોલીસે આશરે ₹3.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં વનસ્પતિ તેલ, શંકાસ્પદ ઘી, પેકિંગ મશીનો તેમજ સ્ટોરેજ ટાંકા સહિતનો સામાન સામેલ છે. હાલ પોલીસે વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.