ખાડી પૂરથી નુકસાનને ટેકો આપવા ‘લોકલ ફોર વોકલ’ અભિયાન શરૂ થયું..

સુરતમાં આવેલા ખાડી પૂરના કારણે શહેરના વેપાર-ધંધાને મોટો ફટકો પડ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ, મોબાઇલ માર્કેટ, ઇલેક્ટ્રિકલ સામાન, કરિયાણા સહિત અનેક વેપારીઓને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. અનેક દુકાનોમાં પૂરના પાણી ઘૂસી જતાં માલસામાન બગડી ગયો હતો, જેના કારણે વેપારીઓ સામે ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે. આવી પરિસ્થિતિમાં હવે વેપારીઓને ફરી બેઠા કરવા માટે શહેરમાં ‘લોકલ ફોર વોકલ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ખાડી પૂર બાદ સુરતમાં ‘લોકલ ફોર વોકલ’ અભિયાનને વેગ, સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીની અપીલ..
 

સુરતમાં ખાડી પૂરથી ટેક્સટાઇલ, મોબાઇલ, ઇલેક્ટ્રિકલ અને કરિયાણા સહિત અનેક વેપારીઓને ભારે નુકસાન થયું છે. વેપારીઓને ફરી ઉભા કરવા 'લોકલ ફોર વોકલ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લોકોને ઓનલાઈન ખરીદી ટાળી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાની અપીલ કરવામાં આવી છે..
આ અભિયાન હેઠળ ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનોએ નાગરિકોને સ્થાનિક વેપારીઓને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. તેઓએ લોકોને વિનંતી કરી છે કે થોડા સમય માટે ઓનલાઈન ખરીદી ટાળીને પોતાના વિસ્તારની દુકાનોમાંથી જ જરૂરી ચીજવસ્તુઓ ખરીદે, જેથી પૂરથી પ્રભાવિત વેપારીઓને ફરીથી ઉભા થવામાં મદદ મળી શકે.

અભિયાન સાથે જોડાયેલા આગેવાનોનું માનવું છે કે સુરતના વેપારીઓએ વર્ષો સુધી શહેરની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. હવે મુશ્કેલીના સમયમાં શહેરવાસીઓએ પણ સ્થાનિક વેપારીઓનો સાથ આપવો જોઈએ. જો લોકો સ્થાનિક બજારોમાં ખરીદી કરશે તો વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળશે અને બજારમાં ફરીથી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે.

ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવું એ માત્ર વેપારનો મુદ્દો નથી, પરંતુ શહેરની અર્થવ્યવસ્થા અને હજારો પરિવારોના જીવનનિર્વાહ સાથે જોડાયેલો મુદ્દો છે. ગ્રીન આર્મી ટ્રસ્ટના તુલસીકાકાએ પણ નાગરિકોને સ્થાનિક બજારોમાંથી ખરીદી કરીને વેપારીઓને ટેકો આપવા અપીલ કરી હતી.

આ અભિયાનનો મુખ્ય હેતુ સુરતના નાના અને મધ્યમ વેપારીઓને ફરી આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને શહેરના વેપારને ઝડપથી પુનર્જીવિત કરવાનો છે. વેપારીઓને આશા છે કે શહેરવાસીઓના સહયોગથી તેઓ ફરી એકવાર પોતાના વ્યવસાયને ગતિ આપી શકશે અને સુરતનું વેપારી જીવન ફરીથી ધમધમતું બનશે...