અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આગની ઘટના સામે આવી છે. બસ સ્ટેશન નજીક ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતી ડ્રિપની નળીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ખેતીમાં ઉપયોગમાં લેવાતી ડ્રિપની પ્લાસ્ટિક નળીમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગના કારણે વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક સરપંચ સહિત ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.આગની ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.ગ્રામજનોના પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.જો કે આગના કારણે ખેડૂતોની ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતી ડ્રિપ સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.