સુરતમાં લંડન વર્ક પરમીટ અને નર્સિંગ જોબના નામે ₹8 લાખની છેતરપિંડીના કેસમાં અમરોલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાંચ મહિનાથી ફરાર આરોપીને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે.અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને લંડનમાં વર્ક પરમીટ વિઝા અને સેન્ટ્રલ લંડનની “કેથરીન્સ વેય નર્સિંગ”માં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી.આરોપી ધર્મેશ નરેશભાઈ ભાટીયાએ મહિલાને દર વર્ષે અંદાજે ₹27 લાખ પગાર મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી.વિદેશમાં નોકરી અને સ્થાયી થવાના સપના બતાવી આરોપીએ મહિલાથી અલગ અલગ હપ્તામાં કુલ ₹8 લાખ વસૂલ્યા હતા.ફરિયાદ મુજબ શરૂઆતમાં આરોપીએ ₹4 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના ₹4 લાખ પરત આપ્યા નહોતા અને વિઝાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી નહોતી.આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ ગુનો નોંધાયો હતો.ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો.ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે અમરોલી પોલીસે વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી આરોપી ધર્મેશ ભાટીયાને ઝડપી પાડ્યો હતો.પોલીસને આશંકા છે કે આરોપીએ અન્ય લોકો સાથે પણ વિદેશી નોકરી અને વિઝાના નામે છેતરપિંડી આચરી હોઈ શકે છે.હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને દસ્તાવેજો તેમજ મોબાઈલ ડેટાની તપાસ હાથ ધરી છે.
લંડન જોબના નામે ₹8 લાખની છેતરપિંડી પાંચ મહિનાથી ફરાર આરોપી વડોદરાથી ઝડપાયો અમરોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી આરોપી દબોચ્યો