સુરતના લસકાણા પોલીસ સ્ટેશનની પીસીઆર-81 ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક યુવકનો સમયસર બચાવ કરી પોલીસે માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ બહાદુરીપૂર્ણ કામગીરી બદલ ડીસીપી આલોકકુમારે પીસીઆર સ્ટાફને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.તારીખ 9 જૂન 2026ના રોજ સાંજે 6 વાગ્યાને 42 મિનિટે લસકાણા પોલીસની પીસીઆર-81ને કોલ મળ્યો હતો કે ખોલવડ વિસ્તારમાં આવેલી સ્ટાર પવિત્ર નગરીના ફ્લેટ નંબર A-701માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક તણાવથી કંટાળી ઝેરી દવા પી ગયા છે અને રૂમ અંદરથી બંધ કરી દીધો છે. કોલ મળતા જ પીસીઆર-81ના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોવિંદભાઈ તથા ડ્રાઇવર ક્રિપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બંને કર્મચારીઓએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી જીવના જોખમે યુવકને બહાર કાઢી તાત્કાલિક પીસીઆર વાહનમાં કામરેજ હોસ્પિટલ ખસેડ્યો હતો. સમયસર સારવાર મળતા કિરણભાઈ ધામેલિયાનો આબાદ બચાવ થયો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખી ડીસીપી આલોકકુમારે પીસીઆર-81ના ઇન્ચાર્જ શૈલેષભાઈ ગોવિંદભાઈને પ્રશંસાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવી હતી.