સુરતના સિંગણપોર ગામ સ્થિત કૃપા રેસીડેન્સીમાં ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.કતારગામ ઝોનના અધિકારીઓએ ફ્લેટ નંબર 104 ખાતે લગાવવામાં આવેલા ગેરકાયદેસર પતરાના બાંધકામને તોડી પાડ્યું હતું.કાર્યવાહી દરમિયાન પતરા હટાવી જપ્ત પણ કરવામાં આવ્યા હતા.પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે કાર્યવાહી બાદ માત્ર બે કલાકમાં જ તમામ પતરા ફરી તે જ સ્થળે મૂકી દેવામાં આવ્યા હતા.આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરીની પારદર્શિતા અને ગંભીરતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે પડદા પાછળ કોઈ રાજકીય દબાણ કે પ્રભાવના કારણે જપ્ત કરાયેલ સામાન પરત મૂકવામાં આવ્યો હોઈ શકે છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સંબંધિત ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાનો હોવાનું કહેવાઈ રહ્યું છે.હાલ ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે.હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જો બાંધકામ ગેરકાયદેસર હતું તો જપ્ત કરાયેલ સામાન પરત કેમ મૂકવામાં આવ્યો? અને જો કાર્યવાહી યોગ્ય હતી તો પછી તેને અધવચ્ચે કેમ બદલવામાં આવી?આ સમગ્ર મામલે મનપા તંત્ર તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.