અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડોક્ટરોએ દર્દીઓના સ્વાસ્થ્યની સાથે હવે પર્યાવરણના સ્વાસ્થ્યની પણ જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ડોક્ટરોએ માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ દરેક છોડને દત્તક લઈને તેના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી છે. આ અનોખી પહેલને સમાજમાં પણ આવકાર મળી રહ્યો છે.
મોડાસામાં ડોક્ટરોની અનોખી પહેલ, ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ સાથે છોડ દત્તક લીધા..
સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે મોડાસા મેડિકલ સોસાયટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોડાસા મેડિકલ સોસાયટીના પરિસરમાં 21 અને ગોગાધામ ગારુડી ખાતે 11 મળીને કુલ 32 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી આ પહેલમાં મોટી સંખ્યામાં ડોક્ટરો, સામાજિક આગેવાનો અને સ્વદેશી જાગરણ મંચના હોદ્દેદારો જોડાયા હતા.
કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી કે ડોક્ટરોએ માત્ર ઔપચારિક રીતે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો નહીં, પરંતુ દરેક વૃક્ષને દત્તક લઈને તેના નિયમિત ઉછેર, પાણી, સંભાળ અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી. આયોજકોના જણાવ્યા મુજબ, માત્ર વૃક્ષ વાવવાથી પર્યાવરણનું સંરક્ષણ શક્ય બનતું નથી, પરંતુ તેનું યોગ્ય જતન પણ એટલું જ જરૂરી છે.
આ પ્રસંગે ડોક્ટરોએ જણાવ્યું હતું કે "પ્રકૃતિ સ્વસ્થ રહેશે તો જ સમાજ સ્વસ્થ રહેશે." તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે દરેક નાગરિકે જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની જવાબદારી લેવી જોઈએ. પર્યાવરણનું સંતુલન જાળવવા અને આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ પર્યાવરણ જાળવણી માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ‘એક પેડ માં કે નામ’ જેવા અભિયાનો સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ડોક્ટરોની આ અનોખી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.