મોંઘવારી મુદ્દે AAPએ સુરત કલેકટર મારફતે મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર

પેટ્રોલ-ડીઝલ, દૂધ-ગેસના ભાવ વધારાથી જનતા ત્રાહિમામ: પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી

ડીઝલ અછતથી ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પર આર્થિક સંકટ: ધર્મેશ ભંડેરી

ખેડૂતો માટે ડીઝલ ક્વોટા વધારવા અને ખાતરના ભાવ ઘટાડવાની માંગ: ધર્મેશ ભંડેરી

ઇંધણ પરનો VAT અને સેસ ઘટાડવા માંગ: ધર્મેશ ભંડેરી

સંગ્રહખોરી પર લગામ કસવા 'પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ' કાર્યરત કરવામાં માંગ: ધર્મેશ ભંડેરી

પેટ્રોલ - ડીઝલના વધી રહેલા ભાવ, દૂધ - ગેસના વધી રહેલા ભાવ, અસહ્ય મોંઘવારી, ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરોને પડી રહેલી તકલીફો સહિત અનેક પ્રશ્નોથી સમગ્ર ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. જેને પગલે આમ આદમી પાર્ટીએ જનતાનો અવાજ બનીને સુરત ખાતે પ્રદર્શન યોજીને કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી સહિત સુરત લોકસભા ઈનચાર્જ રજનીકાંત વાઘાણી, કોર્પોરેટર પંકજ ચાવડા, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મળીને કલેકટરને આવેદનપત્ર આપીને શાંતિપૂર્ણ રીતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ આવેદનપત્રના માધ્યમથી આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માઝા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ બેવડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

ત્યારે આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેકટરશ્રી સમક્ષ સમાજના આ ત્રણેય વર્ગોના મુખ્ય પ્રશ્નો અને તેના તાત્કાલિક નિરાકરણ
માટેની માંગણીઓ રજૂ કરી હતી.:
1. જગતના તાત (ખેડૂતો)ના પ્રશ્નો અને માંગણીઓ:
સમસ્યા: ખેતીની ખેડની સીઝને જ પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ટ્રેક્ટરો ઠપ્પ થઈ ગયા છે, જેથી વાવણી પહેલા ખેડુતો ચિંતામાં છે.
માંગણી: ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા (અનામત જથ્થો) નક્કી કરવામાં આવે. આજે ખેતી કરવી મુશ્કેલ થઈ રહી છે ત્યારે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમારી માંગ છે કે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે અને પુરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે.

2. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ (રાજ્યની આર્થિક લાઈફલાઈન)ના પ્રશ્નો અને માંગણીઓ:
સમસ્યા: ઇંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે.
માંગણી: તમામ હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કરાતી કથિત કાપ કે સ્થાનિક સ્તરે થતી સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટી નીમવામાં આવે.

3. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્નો અને માંગણીઓ:
સમસ્યા: ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધવાને કારણે શાકભાજી, ખાદ્યતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે.
માંગણી: મોંઘવારીના આ વિષચક્રમાંથી જનતાને બચાવવા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ (VAT) અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઇંધણના ભાવ નીચા લાવે. સંગ્રહખોરો દ્વારા બજારમાં ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા માટે દરેક જિલ્લા સ્તરે 'પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્ક્વોડ' કાર્યરત કરવામાં આવે.

મુખ્યમંત્રીને રજૂઆતમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા છેલ્લા ૩૦ વર્ષથી આપની પાર્ટીને મત આપીને જીતાવતી રહી છે. તમામ સ્તરે આપની પાર્ટીની સરકાર છે. લોકો ચૂપ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અસહ્ય બની ચૂકી છે. જો આ પ્રશ્નો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે, તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. તો આપ આ બાબતને સર્વોચ્ચ અગ્રતા આપી, યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં ભરી પ્રજાને ન્યાય આપશો તેવી નમ્ર વિનંતી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત