સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામમાં આવેલ પવનપુત્ર હોટલનું ગેરકાયદેસર બાંધકામ તંત્ર દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું છે.ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી આ હોટલ સર્વે નંબર 113ની જમીન પર આવેલી હતી. મળતી માહિતી મુજબ હોટલના સંચાલક ભુપતભાઈ બાવકુભાઈ પટગીર સામે અગાઉ ડીઝલ અને કેમિકલ ચોરી સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.ચોટીલા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ચોરી, ગુનાહિત કાવતરું અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળના ગુનાઓ નોંધાઈ કોર્ટમાં પેન્ડિંગ છે.આ ઉપરાંત પીજીવીસીએલની ટીમ દ્વારા હોટલ ખાતે વીજ ચોરીના બે અલગ-અલગ કેસ પણ નોંધવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન અંદાજે 80 હજાર રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે.તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરી આશરે 7082 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે.તાજેતરમાં પણ હોટલ સંચાલક સામે કેમિકલ ચોરીનો વધુ એક ગંભીર ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે પવનપુત્ર હોટલનું ફૂડ લાયસન્સ વર્ષ 2013માં જ રદ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન હોટલના બાંધકામ માટે જરૂરી મંજૂરીના કોઈ આધાર-પુરાવા પણ મળી આવ્યા ન હતા.તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.