સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત નકલી ડિમોલિશન મામલે અસરગ્રસ્ત પરિવારોની વેદના સામે આવી છે. ઘર તૂટી જતા ગરીબ અને શ્રમજીવી પરિવારો નાના બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. સમગ્ર મામલે તંત્ર, બિલ્ડર અને અધિકારીઓની ભૂમિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત નકલી ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારો ન્યાય માટે ભટકી રહ્યા છે.અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે તંત્ર અને બિલ્ડરોના પાપે ગરીબ અને શ્રમજીવી પરિવારો ઘરવિહોણા બન્યા છે. હાલમાં અનેક પરિવારો પોતાના નાના બાળકો સાથે તંબુ બાંધી રહેવા મજબૂર બન્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ડિમોલિશન દરમિયાન પાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર હતા, છતાં હવે સમગ્ર મામલે ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે.અસરગ્રસ્તોએ શહેરના બે નામી બિલ્ડર અને કેટલાક અધિકારીઓની સીધી સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે.આ ઉપરાંત નાસીરનગરની બાજુમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાંધકામ માટે જરૂરી મંજૂરી ન હોવા છતાં માત્ર નોટિસ આપીને તંત્રએ સંતોષ માની લીધો હતો.નોટિસમાં પણ બાંધકામ સાઈટની પૂર્વ મંજૂરી ન હોવાનું દર્શાવાયું હોવા છતાં બેઝમેન્ટમાં માટી પુરાણ કરવા સૂચનાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અસરગ્રસ્તોનો સવાલ છે કે ગરીબોના મકાનો તોડવા માટે તંત્ર સક્રિય બન્યું, પરંતુ બિલ્ડરના કથિત ગેરકાયદે બાંધકામ સામે કેમ કાર્યવાહી કરવામાં આવી નહીં?હાલ સમગ્ર મામલે પાલિકા કમિશનર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળશે કે પછી અધિકારીઓ અને બિલ્ડરો સમગ્ર પ્રકરણમાંથી છટકી જશે તેવો સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નાસીરનગર ડિમોલિશ....ન મામલે પીડિતોની વેદના