નાસીરનગર ડિમોલિશન વિવાદ મામલે સુરત મહાનગરપાલિકાએ મોટી સ્પષ્ટતા કરી છે. મનપાના અધિકારીઓએ આ સમગ્ર કાર્યવાહી કાયદેસરની હોવાનું જણાવતાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને આક્ષેપોને ફગાવી દીધા છે. સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે.તેમણે જણાવ્યું હતું કે નાસીરનગર વિસ્તારમાં રોડ ખુલ્લો કરવાની અને ડિમાર્કેશનની જે કામગીરી કરવામાં આવી હતી તે સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈઓ અને નિયમો અનુસાર કરવામાં આવી હતી.આશિષ નાયકે સોશિયલ મીડિયા તેમજ કેટલાક બિન-અધિકૃત માધ્યમોમાં ચાલી રહેલા ગેરમાર્ગે દોરતા પ્રચાર અને ભ્રામક આક્ષેપોનું ખંડન કર્યું હતું.મનપા દ્વારા જણાવાયું છે કે સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.મનપાના જણાવ્યા અનુસાર એકતરફી પ્રચાર અને ખોટા આક્ષેપોના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ ભારે માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે અને કેટલાક કર્મચારીઓ રજા પર જવા મજબૂર બન્યા છે.મનપાના અધિકારીએ એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક કહેવાતા આગેવાનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો પોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટે આ મુદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે.સાથે જ સુરત મહાનગરપાલિકાએ મીડિયા અને નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની અધૂરી અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર અહેવાલની રાહ જુએ.