"પાંચ વર્ષની બાળકીના મોત મામલે કુમાર કાનાણી મેદાનમાં.."

કુમાર કાનાણી આરોગ્ય વિભાગની કામગીરીને લઈને મેદાનમાં આવ્યા છે. સુરતમાં પાંચ વર્ષની બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલી તપાસ અને કાર્યવાહી સામે ધારાસભ્ય કુમાર કાનાણીએ અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને અધિકારીઓની કામગીરી અંગે પ્રશ્નો કર્યા છે. ઘટના બાદ શહેરમાં તપાસ દરમિયાન હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાના મુદ્દે પણ તેમણે જવાબદારી નક્કી કરવાની માંગ સાથે સવાલો ઉઠાવ્યા છે.

‘અખાદ્ય જથ્થો મળ્યો તો અત્યાર સુધી અધિકારીઓ ક્યાં હતા?’

ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે જો હાલની તપાસ દરમિયાન હજારો કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો મળી રહ્યો છે અને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે તો આ જથ્થો અત્યાર સુધી બજારમાં કેવી રીતે રહ્યો?

તેમણે સવાલ કર્યો છે કે અધિકારીઓ અત્યાર સુધી ક્યાં હતા અને ઘટના બન્યા બાદ જ તપાસ કરવા કેમ જાય છે? જો આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ નિયમિત અને અસરકારક તપાસ કરવામાં આવી હોત તો આટલો અખાદ્ય જથ્થો એકત્ર કેવી રીતે થયો તે અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે.

પાંચ વર્ષની બાળકીના મોતની ઘટના બાદ આરોગ્ય વિભાગની કામગીરી વધુ સઘન બનતાં કુમાર કાનાણીએ અગાઉ કરવામાં આવતી તપાસ અને દેખરેખની અસરકારકતા સામે પણ સવાલ કર્યા છે.

રેસ્ટોરન્ટ સીલ કરવું જ કડક કાર્યવાહી છે? — કાનાણી

કુમાર કાનાણીએ કાર્યવાહી કરવાની પદ્ધતિ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. માત્ર રેસ્ટોરન્ટ બંધ કરાવવું, સીલ મારવું અથવા નોટિસ આપવી એ જ કડક કાર્યવાહી ગણાય કે કેમ તેવો સવાલ તેમણે કર્યો છે.

તેમણે ખાદ્ય સુરક્ષા સાથે જોડાયેલા નિયમો અને કાર્યવાહી વધુ કડક હોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં કાયદાનો ડર રહે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેવી અસરકારક વ્યવસ્થા હોવી જોઈએ તેવી વાત તેમણે કરી છે.

આ સમગ્ર મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને આરોગ્ય વિભાગની કામગીરી અંગે પોતાના સવાલો અને રજૂઆત પહોંચાડી છે.

પાંચ વર્ષની બાળકીના મોત બાદ સુરતમાં ખાદ્ય સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ધારાસભ્ય કુમાર કાનાણીએ અધિકારીઓની અગાઉની કામગીરી અને જવાબદારી સામે સવાલો ઊભા કરતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.