પાનોલી GIDCમાં ગેસની અસરથી કર્મચારીનું મોત....
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી નેશનલ બાયોસીડસ કંપનીમાં ઝેરી ગેસની અસરથી એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નેશનલ બાયોસીડસ કંપનીમાં કામ કરતા 33 વર્ષીય કર્મચારી મોહમ્મદ નઈમ કુરેશીનું ઝેરી ગેસની અસરથી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મોહમ્મદ નઈમ કુરેશી ગત 2 જૂનના રોજ કંપનીમાં ફરજ દરમિયાન અચાનક ગેસની અસરનો ભોગ બન્યા હતા. તબિયત બગડતા તેઓ ઘરે પરત ફર્યા હતા અને પ્રાથમિક સારવાર લીધી હતી.જોકે બીજા દિવસે તેમને વધુ ચક્કર આવવા સહિતની તકલીફ થતા ખરોડ સ્થિત વેલકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.યુવાન કર્મચારીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાને લઈને પરિવારજનો અને સ્થાનિકોએ સમગ્ર મામલે તપાસની માંગ ઉઠાવી છે.બનાવ અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.