વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ભટાર વિસ્તારના ઉમરાવ નગર ખાતે યોજાયેલા આ અભિયાનમાં મંત્રીએ ખુદ ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં મંત્રીએ જાહેર માર્ગ પર ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા.સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યા બાદ સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપી હતી, જેના પરિણામે આજે દેશભરમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મોટો લાભ થયો છે.મંત્રીએ સુરતને સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ ક્રમે પહોંચાડવા બદલ પાલિકા તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સ્થાન જાળવી રાખવા માટે પણ આહ્વાન કર્યું હતું.સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી જે શહેરની મુલાકાત લેતા હોય છે, ત્યાં એક અઠવાડિયા પૂર્વે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો આગ્રહ રાખે છે. આવતીકાલે વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા હોવાથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.મંત્રીએ જણાવ્યું કે મેલેરિયા અને પાણી ભરાવાની સમસ્યા અટકાવવા માટે પાલિકા દ્વારા 900 જેટલા કેમ્પો યોજવામાં આવ્યા છે. સ્વચ્છતા માત્ર ઘર પૂરતી મર્યાદિત ન રાખી સમાજ, શહેર અને દેશ સુધી પહોંચાડવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.