આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શહેરમાં ચાલી રહેલી ખાડી સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરતમાં નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓના કાયમી નિવારણ માટે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ મનપાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રીએ ભગવતી સોસાયટી, પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. ખાડીની સફાઈ માટે એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.પ્રફુલભાઈ પાનશેરીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા અને ગંદકી જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવામાં આવે.તેમણે તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્રને કડક તાકીદ કરી હતી.