રાધનપુર APMCમાં નવા ભવનો અને બનાસ બેંકની નવી શાખાનું લોકાર્પણ
પાટણ જિલ્લાના રાધનપુર કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) ખાતે ખેડૂતોની સુવિધામાં વધારો થાય તે હેતુથી તૈયાર કરાયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત રહી નવા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાધનપુર APMCમાં ખેડૂતો માટે નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ, બનાસ બેંકની નવી શાખાનું ઉદ્ઘાટન
કાર્યક્રમ દરમિયાન બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા, APMCનું નવું કાર્યાલય ભવન, ખેડૂત આરામગૃહ તેમજ ઓપન ઓક્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે આ તમામ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નવા કાર્યાલય ભવનનું નિર્માણ અંદાજે રૂ.1.25 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ઉપરાંત રૂ.7.91 લાખના ખર્ચે ખેડૂત આરામગૃહ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી દૂર-દૂરથી આવતા ખેડૂતોને આરામ અને જરૂરી સુવિધાઓ મળી રહે. સાથે જ ખેડૂતો પોતાની કૃષિ ઉપજ સુરક્ષિત રીતે રાખી શકે અને હરાજીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે તે માટે ઓપન ઓક્શન શેડ પણ બનાવવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોને કૃષિ ક્ષેત્રના વિકાસ અને બજાર વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સરકારની પ્રાથમિકતા છે. જ્યારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
કાર્યક્રમમાં APMCના વેપારી વિભાગ પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો...