રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન....

પાટણ જિલ્લાના રાધનપુરના મસાલી રોડ સ્થિત ઉમિયાનગર-1 ખાતે આવેલી કોલી ઠાકોર સમાજની વાડીમાં કરછ-વાગડ-પાટણ-વઢિયાર-ગાંધીનગર આયોજિત કોલી ઠાકોર નિરાશ્રીત સમાજ મહાસંમેલન યોજાયું હતું. સમાજના વિકાસ, શિક્ષણના પ્રોત્સાહન, સંગઠનની મજબૂતી અને સમાજ સુધારણાના હેતુથી યોજાયેલા આ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુરમાં કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું મહાસંમેલન, શિક્ષણ અને સમાજ સુધારણા પર ભાર

મહાસંમેલનની અધ્યક્ષતા અખિલ કરછ-વાગડ-પાટણ-ગાંધીનગર કોલી નિરાશ્રીત સમાજના અધ્યક્ષ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલે કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા યુવા પેઢીને શિક્ષણ તરફ આગળ વધવા, ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત થવા અને સમાજમાં એકતા જાળવવાના સંદેશ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમાજમાં ચાલતી વિવિધ સામાજિક પરંપરાઓ અને સુધારણા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સગાઈ, લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી અને દેખાડાના ખર્ચને ઘટાડવા માટે નવા સામાજિક નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ અપીલ કરી હતી કે સરળ અને સાદાઈથી પ્રસંગોની ઉજવણી કરવામાં આવે તેમજ બચતા નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણ, કારકિર્દી અને સમાજના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવે.

કાર્યક્રમ દરમિયાન સમાજ માટે ભવિષ્યલક્ષી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમાં નવી સમાજ વાડીના નિર્માણ, વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ તથા લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉભી કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓથી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ સારા અવસર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

મહાસંમેલનમાં સમાજના આગેવાનો, સંતો, રાજકીય આગેવાનો તેમજ વિવિધ વિસ્તારોમાંથી આવેલા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષણને પ્રાથમિકતા આપવા અને સામાજિક સુધારણા માટે સૌએ મળીને કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ મહાસંમેલન સમાજમાં એકતા, શિક્ષણ અને પ્રગતિના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.