રાધનપુરમાં ₹196 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ
પાટણ જિલ્લાના રાધનપુરમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત રાધનપુર પોલીસે એવી ગેંગનો ભાંડો ફોડ્યો છે, જે ગરીબ અને આર્થિક રીતે નબળા શ્રમિકોના નામે બેંક ખાતા ખોલાવી દેશભરમાં સાયબર ગુનાઓને અંજામ આપતી હતી. પ્રાથમિક તપાસમાં આ ખાતાઓ મારફતે રૂ. 196 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે, જેને લઈને તપાસ વધુ ગંભીર બની છે.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ પહેલા ગરીબ શ્રમિકો અને સામાન્ય લોકોને દર મહિને કમિશન અથવા નાણાકીય લાભ આપવાની લાલચ આપતા હતા. ત્યારબાદ તેમના નામે વિવિધ બેંકોમાં નવા ખાતા ખોલાવવામાં આવતા હતા. ખાતું શરૂ થયા બાદ આરોપીઓ ચેકબુક, એટીએમ કાર્ડ, પાસબુક, સિમકાર્ડ તેમજ અન્ય બેંકિંગ સંબંધિત દસ્તાવેજો પોતાના કબજામાં લઈ લેતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશના વિવિધ ભાગોમાં થતા ઓનલાઈન ઠગાઈ, ડિજિટલ પેમેન્ટ ફ્રોડ અને અન્ય સાયબર ગુનાઓમાં કરવામાં આવતો હતો.
તપાસ દરમિયાન પોલીસે આ ખાતાઓના નાણાકીય વ્યવહારોની વિગત ચકાસી હતી, જેમાં કુલ રૂ. 196 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. વધુ તપાસ માટે કેન્દ્ર સરકારના 'સમન્વય' પોર્ટલ પર માહિતી ચકાસવામાં આવી હતી. તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી નોંધાયેલી કુલ 38 સાયબર ફ્રોડ ફરિયાદો આ બેંક ખાતાઓ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસા બાદ સમગ્ર કેસ આંતરરાજ્ય સાયબર ગુનાઓ સાથે જોડાયેલો હોવાની શક્યતા પણ મજબૂત બની છે.
આ સમગ્ર મામલે રાધનપુર પોલીસે શંકર ઠાકોર, મનોજ ઠક્કર અને હર્ષદ ઠક્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદના આધારે પોલીસે શંકર ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપી હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓના બેંક રેકોર્ડ, મોબાઈલ ફોન, ડિજિટલ ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સાયબર ગુનાઓમાં 'મ્યુલ એકાઉન્ટ'નો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિના કહેવા પર પોતાના નામે બેંક ખાતું ખોલાવી તેની ચેકબુક, એટીએમ કાર્ડ, સિમકાર્ડ અથવા બેંકિંગ માહિતી અન્યને સોંપવી નહીં. આવી બેદરકારી ગંભીર કાનૂની મુશ્કેલી ઉભી કરી શકે છે. 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' હેઠળ આગળ પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.