₹64.38 કરોડના APK સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો, સુરત સાયબર સેલે કાનપુરથી આરોપીની ધરપકડ કરી

સુરત સાયબર સેલે ₹64.38 કરોડના APK સાયબર ફ્રોડના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉત્તર પ્રદેશના કાનપુરથી 18 વર્ષીય રોહિત વીરેન્દ્રસિંઘ શાકયની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી નકલી APK ફાઇલ તૈયાર કરીને ઝારખંડ સ્થિત સાયબર ગેંગને સપ્લાય કરતો હતો. આ ફેક એપ્લિકેશનના માધ્યમથી દેશભરમાં હજારો મોબાઇલ હેક કરી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.

PNB One સહિત 121 નકલી APK બનાવી સાયબર ગેંગને સપ્લાય કરતો

સાયબર સેલની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ PNB One સહિત કુલ 121 નકલી APK ફાઇલ તૈયાર કરી હતી. આ ફાઇલ ઝારખંડ સ્થિત સાયબર ગેંગને આપવામાં આવતી હતી, જેનો ઉપયોગ લોકોના મોબાઇલ ફોન હેક કરવા માટે થતો હતો. તપાસ મુજબ આ ફેક APK 21,672થી વધુ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી, જેમાંથી 2,928 મોબાઇલ સફળતાપૂર્વક હેક થયા હતા.

વોટ્સએપથી APK મોકલી મોબાઇલનો કબ્જો મેળવતા

સુરત સાયબર સેલે ₹64.38 કરોડના APK સાયબર ફ્રોડમાં કાનપુરથી 18 વર્ષીય આરોપીની ધરપકડ કરી. 121 નકલી APKથી 21,672 મોબાઇલમાં ફ્રોડ કરાતો હતો,₹5 લાખની ઓનલાઈન છેતરપિંડી
આરોપી બેંક, RTO અને KYC અપડેટના નામે લોકોને વોટ્સએપ મારફતે APK ફાઇલ મોકલતો હતો. લોકો ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ મોબાઇલનો સંપૂર્ણ કંટ્રોલ સાયબર ગેંગના હાથમાં જતો હતો. ત્યારબાદ મોબાઇલમાં આવેલા SMS, ફોટા, OTP અને બેંકિંગ સંબંધિત માહિતી મેળવી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા.

માત્ર ₹10થી ₹15 હજારના વળતરમાં કરતો હતો કામ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી દર મહિને માત્ર ₹10 હજારથી ₹15 હજારના વળતર સામે સાયબર ગેંગ માટે નકલી APK ફાઇલ તૈયાર કરતો હતો. ઓછી રકમના બદલામાં તે દેશવ્યાપી સાયબર ઠગાઈના મોટા નેટવર્કને ટેક્નિકલ મદદ પૂરી પાડી રહ્યો હતો.

સુરતના ₹5 લાખના ફ્રોડથી ખુલ્યો સમગ્ર રેકેટ

સુરતના એક વેપારી સાથે થયેલી ₹5 લાખની ઓનલાઈન છેતરપિંડીની તપાસ દરમિયાન સમગ્ર APK સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે આરોપી પાસેથી મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કર્યા છે. હવે આ ગેંગના અન્ય સભ્યો, ફેક APKનો ઉપયોગ કરનારા અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.