કાપોદ્રા સગીર બાળા દુષ્કર્મ કેસમાં સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 20 વર્ષીય આરોપીને ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. 15 વર્ષીય સગીર બાળાને લગ્નની લાલચ આપી તેનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.
સગીર બાળા સાથે મોબાઇલ-વોટ્સએપથી સંપર્ક કેળવ્યાનો આરોપ
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રમેશભાઈ માયાભાઈ મહીડા છેલ્લા આશરે એક વર્ષથી ફરિયાદી પરિવાર રહે છે તે જ સોસાયટીમાં રહેતો હતો. આ દરમિયાન આરોપીએ ફરિયાદીની 15 વર્ષ અને 4 મહિનાની પુત્રી સાથે મોબાઇલ ફોન અને વોટ્સએપ મારફતે સંપર્ક કેળવ્યો હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળા સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સમગ્ર મામલો પરિવારના ધ્યાન પર આવ્યા બાદ કાપોદ્રા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે BNS-2023 અને POCSO એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
મોબાઇલ લોકેશન અને CCTVથી આરોપી સુધી પહોંચી પોલીસ
ગુનો નોંધાયા બાદ આરોપી સુરત છોડીને બહારગામ નીકળી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક ટેકનિકલ તપાસમાં સામે આવ્યું હતું. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તેના મોબાઇલ લોકેશન ઉપરાંત અલગ-અલગ ટેકનિકલ વિગતોની તપાસ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ટ્રાવેલ્સ સંબંધિત માહિતી અને CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર વિસ્તારમાં હોવાની માહિતી મળતાં કાપોદ્રા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
પોલીસે વલ્લભીપુર વિસ્તારમાં તપાસ હાથ ધરી 20 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો. આમ, ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, ટ્રાવેલ્સની માહિતી અને CCTV ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આરોપીની ધરપકડ બાદ કાપોદ્રા પોલીસે સમગ્ર કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસ સગીર બાળા સાથે જોડાયેલો હોવાથી તેની ઓળખ જાહેર ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
