શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે પૂનમના પાવન અવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો.દાદાને જરદોશી અને એમ્બ્રોઈડરી વર્કના ભવ્ય વાઘા, રિયલ ડાયમંડનો આકર્ષક મુકુટ અને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે સફેદ ગુલાબના ફૂલોથી ભગવાન શિવના સ્વરૂપને અનુરૂપ અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો, જે હરિભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.સવારે મંગળા આરતી તથા ત્યારબાદ શણગાર આરતી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. સમગ્ર મંદિરમાં ભગવાન શિવના ત્રિપુંડ અને હિમાલય જેવા બરફાચ્છાદિત પર્વતોની પ્રતિકૃતિ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, જેના કારણે દાદાનો શણગાર વધુ ભવ્ય અને દિવ્ય બની ગયો હતો.આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. સાંજના સમયે રાજોપચાર પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.