સુરતના સણીયા કણદે ગામમાં ગૌચર જમીનને લઈને વિવાદ ગરમાયો છે. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્ર પર ગૌચર જમીન પર દબાણ કર્યાના આક્ષેપો સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ રાહુલ ચૌધરીએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે.સણીયા કણદે ગામના સરપંચ જશપાલસિંહે આક્ષેપ કર્યો છે કે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્ર દ્વારા ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.સરપંચના જણાવ્યા મુજબ દબાણ દૂર કરવા જતા તેમની સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું.બીજી તરફ સમગ્ર મામલે રાહુલ ચૌધરીએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે તેઓએ કોઈપણ પ્રકારનું ગૌચર જમીન પર દબાણ કર્યું નથી.રાહુલ ચૌધરીના જણાવ્યા અનુસાર વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભૂંગળા નાખતા પહેલાં સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરવામાં આવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી દુકાન અને આમલેટની લારીને કોઈ મંજૂરી નથી.આ સમગ્ર મામલે ભાજપ સાથે જોડાયેલા બે આગેવાનો સામસામે આવી જતા રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે.હાલ ગૌચર જમીન વિવાદને લઈને બંને પક્ષો પોતાના પોતાના દાવા કરી રહ્યા છે અને હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.