તાપી જિલ્લામાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન પથ અંતર્ગત મહત્વપૂર્ણ માર્ગ વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ. 45.42 કરોડના ખર્ચે બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરી હાથ ધરાતા વિસ્તારના વિકાસ અને રોજગારીને વેગ મળશે.રાજ્ય સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રવાસન વિકાસ અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે તાપી જિલ્લાના બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના નવીનીકરણને મંજૂરી આપવામાં આવી છે.રૂ. 45.42 કરોડના ખર્ચે 29.50 કિલોમીટર લાંબા માર્ગને પહોળો અને વધુ સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ 7.50 મીટર પહોળા માર્ગને 10 મીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે.ડુંગરાળ અને વળાંકવાળા માર્ગ પર વાહનચાલકોની સુરક્ષા માટે પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર અને સાઈનેજ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી, શબરીધામ અને સાપુતારા જેવા મહત્વપૂર્ણ પ્રવાસન અને ધાર્મિક સ્થળોને જોડતી મહત્વપૂર્ણ કડી બનશે. જેના કારણે પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થવાની સાથે સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઉભી થશે.આ પ્રોજેક્ટથી શેરૂલ્લા, બાવલી, ભટવાડા, જૂની કુઈલીવેલ, સાતકાશી, આમલપાડા, કુઈલીવેલ અને બોરદા સહિત 8થી વધુ ગામોની અંદાજે 12,780 વસ્તીને સીધો લાભ મળશે.