અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની નદીમાંથી થઈ રહેલી રેતી ચોરીને રોકવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને ગેરકાયદેસર ખનન સામે જાહેર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ વાત એ રહી કે સુરત અને અમદાવાદમાં વસતા સરંભડાના વતનીઓ પણ પોતાના માદરે વતન પહોંચીને આ જનઆંદોલનમાં જોડાયા હતા. ગ્રામજનોએ નદી અને પર્યાવરણના સંરક્ષણ માટે એકજૂટ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સરંભડા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન સામે જનઆંદોલન, નદી બચાવવા ગ્રામજનો એકજૂટ થયા..
ગામની નદીના કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરીને ગેરકાયદેસર રેતી ખનનનો વિરોધ કર્યો હતો અને રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે, જેના કારણે નદીનું કુદરતી સ્વરૂપ બદલાઈ રહ્યું છે. સતત ખનનને કારણે નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે અને પર્યાવરણ પર પણ ગંભીર અસર પડી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ મુદ્દે અગાઉ અનેક વખત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ખાણ-ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, યોગ્ય અને સંતોષકારક કાર્યવાહી ન થતાં ગામલોકોએ હવે જાહેર વિરોધનો માર્ગ અપનાવ્યો છે. તેમનું કહેવું છે કે જો સમયસર અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પર્યાવરણ અને સ્થાનિક કુદરતી સંસાધનોને ભારે નુકસાન થઈ શકે છે.
યુવા અગ્રણી રણજીત દુધાત અને અગ્રણી દલસુખભાઈ દુધાત સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે આ લડત માત્ર રેતી ખનન સામેની નથી, પરંતુ આવનારી પેઢી માટે નદી અને પ્રકૃતિ બચાવવાની લડત છે. તેમણે તંત્રને રેતી ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ગેરકાયદેસર ખનન સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી ગ્રામજનોનો વિરોધ ચાલુ રહેશે.
સરંભડા ગામમાં ઊભું થયેલું આ જનઆંદોલન હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે નદી અને કુદરતી સંપત્તિનું રક્ષણ દરેકની સામૂહિક જવાબદારી છે અને તેના માટે તેઓ સતત સંઘર્ષ ચાલુ રાખશે.