અમરેલી સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના સંગઠન મંત્રી હિતેશભાઈ દોંગાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો સાવરકુંડલાના નાવલી ચોક ખાતે એકત્રિત થયા હતા અને રાજ્ય સરકારની દમનકારી તથા તાનાશાહી નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ ચૈતરભાઈ વસાવા સામે થયેલી કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરી લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે એકજૂટ રહેવાનો સંકલ્પ કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી હંમેશા જનહિતના મુદ્દાઓ માટે લડતી રહી છે અને ચૈતરભાઈ વસાવા જેવા જનસેવી નેતાઓને અન્યાય થાય ત્યારે પાર્ટી મૌન નહીં રહે. કાર્યકર્તાઓએ સરકારની દમનકારી નીતિઓ સામે સતત સંઘર્ષ ચાલુ રાખવાની અને લોકશાહી તથા બંધારણીય અધિકારોના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને અંતે તમામ કાર્યકર્તાઓએ એકતાના સંદેશ સાથે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પોતાના અવાજને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.