સાવરકુંડલાના જનતા બાગ નજીક ગટર લાઇનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની મેઈન લાઇન તૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.GUDC દ્વારા ગટર લાઇનનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન જેસીબીની ટક્કર લાગતા ગુજરાત ગેસની મેઈન પાઈપલાઈનને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. ગેસ લીકેજ થતાં મોટા અવાજ સાથે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કામગીરી દરમિયાન સુરક્ષાના જરૂરી માપદંડોનું પૂરતું પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે આવી ગંભીર ઘટના સર્જાઈ હોવાનું લોકોનો આક્ષેપ છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ગેસ લીકેજના કારણે આગ લાગી હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. આવી સ્થિતિમાં જવાબદારી કોની રહેત? તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષાના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ કરી છે.
સાવરકુંડલામાં ગટર લાઇનના કામ દરમિયાન ગેસની મેઈન લાઇન તૂટી