સુરત પોલીસને સાયબર ફ્રોડના કેસમાં વધુ એક મોટી સફળતા મળી છે. બેંક એકાઉન્ટ ભાડે આપી ઓનલાઈન છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતી ટોળકીના ત્રણ આરોપીઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે અન્ય રાજ્યો સુધી તાર જોડાયેલા હોવાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના એક મહત્વપૂર્ણ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિમના પાર્થ વિરોજા તેમજ વરાછાના હાર્દિક રાછડિયા અને હિરેન સોરઠિયાને ઝડપી પાડ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાર્થ વિરોજાએ પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવવામાં આવેલી રકમ જમા કરવામાં આવતી હતી.પ્રાથમિક તપાસ મુજબ જાન્યુઆરી 2026 દરમિયાન આ બેંક ખાતામાં ઓનલાઈન ફ્રોડના લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓ બેંક એકાઉન્ટના બદલામાં કમિશન મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે.હાલ પોલીસે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. આ સાયબર ફ્રોડના તાર અન્ય કેટલાંક રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.