સુરતની SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો.27 એપ્રિલના રોજ સુરતમાં SBI બેંકમાં થયેલી લૂંટની ઘટનામાં પાંચથી સાત આરોપીઓએ મળીને ગુનાને અંજામ આપ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચની 10 જેટલી ટીમો તપાસમાં જોડાઈ હતી અને એક હજારથી વધુ CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ લૂંટને કુંદન ભગત ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. ગેંગનો મુખ્ય સૂત્રધાર કુંદન ભગત હાલમાં પટનાની જેલમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે.ગુનાને અંજામ આપવા અગાઉ ગેંગ દ્વારા એક વ્યક્તિને એડવાન્સમાં સુરત મોકલવામાં આવ્યો હતો, જેણે આરોપીઓ માટે સિમકાર્ડ અને અન્ય જરૂરી વ્યવસ્થા કરી હતી. છેલ્લા બે મહિનાથી આરોપીઓ દ્વારા બેંક અને આસપાસના વિસ્તારની રેકી કરવામાં આવી રહી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મતીશ ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરી છે. આરોપીની શોધખોળ માટે બિહારના મોતીહારી અને પૂર્વ ચંપારણ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત આઠ દિવસ સુધી ત્યાં વોચમાં રહી હતી અને સ્થાનિક લોકોનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.તપાસમાં એ પણ ખુલ્યું છે કે ગેંગના દરેક સભ્યને અલગ-અલગ કોડવર્ડ આપવામાં આવ્યા હતા જેથી પોલીસની નજરથી બચી શકાય.
SBI બેંક લૂંટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો..