અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત ઐતિહાસિક શામળાજી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના" થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત આજે ઐતિહાસિક શામળાજી મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી.ત્યારબાદ શામળાજી મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રમુખ મયુર પટેલ સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.