અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાં એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સોમપુર ચોકડી નજીક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલી બલેનો કારમાંથી 1,102 બોટલ અને ટીન સહિત રૂ. 7.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એલસીબીને બાતમી મળી હતી કે માલપુર તરફથી એક બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.બાતમીના આધારે એલસીબીની ટીમે સોમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી.દરમિયાન પોલીસને જોઈ કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન ભગાવી દીધું હતું.પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરતા ચાલકે કાબૂ ગુમાવતા બલેનો કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.અકસ્માત સર્જાતા કારમાં સવાર બે શખ્સો દારૂ ભરેલી કાર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે કારની તપાસ કરતા અંદરથી કુલ 1,102 બોટલ અને ટીનમાં ભરેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.તપાસ દરમિયાન કાર પર લગાવેલી નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે વિદેશી દારૂ, બલેનો કાર સહિત કુલ રૂ. 7 લાખ 73 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.સમગ્ર મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સોમપુર ચોકડી પાસે એલસીબીનો ફિલ્મી પીછો...