સોનગઢ પોલીસે ₹14.05 લાખનો દારૂ સહિત મુદ્દામાલ ઝડપ્યો

તાપી જિલ્લાના સોનગઢ પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બોલેરો પીક-અપમાંથી ₹14.05 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને દારૂ મંગાવનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોનગઢ પોલીસે બોલેરો પીક-અપને અટકાવી તપાસ કરી

પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.

આ દરમિયાન સોનગઢ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મહિન્દ્રા બોલેરો પીક-અપમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સોનગઢ ફાટા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો પીક-અપને અટકાવી તપાસ હાથ ધરી હતી.

5,661 બોટલ-ટીન સહિત 1,411.83 લીટર દારૂ ઝડપાયો

પોલીસે બોલેરો પીક-અપની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના સીલબંધ ઇંગ્લિશ દારૂની 5,661 નાની-મોટી બોટલ અને ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂનો કુલ જથ્થો આશરે 1,411.83 લીટર હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આશરે ₹9.90 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ, ₹4 લાખની કિંમતની મહિન્દ્રા બોલેરો પીક-અપ તેમજ ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹14.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ત્રણ આરોપી ઝડપાયા, બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા

આ કેસમાં પોલીસે કૈલાશચંદ્ર ઉગમલાલ ગુર્જર, ગેહરૂ દયારામભાઈ ગુર્જર અને સાવરીયાલાલ રામલાલ ગુર્જરને ઝડપી પાડ્યા છે.

જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર સેલવાસના અનિલભાઈ ભાવર અને દારૂ મંગાવનાર વડોદરાના સુનિલભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દારૂની હેરાફેરીનું નેટવર્ક શોધવા વધુ તપાસ

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સમગ્ર કેસની વધુ તપાસ PSI વાય.સી. જરગેલા ચલાવી રહ્યા છે.