સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે.દુબઈથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ પકડી પાડવામાં આવ્યો છે.તસ્કરોએ અસલી સોનાના કડા પર ચાંદીનું ફિનિશિંગ ચઢાવી તેને સામાન્ય ચાંદીના કડા જેવો દેખાવ આપવાનો પ્રયાસ કર્યો હતો.એક નજરે જોતા આ કડું સામાન્ય ચાંદીનું લાગતું હતું, પરંતુ કસ્ટમ અધિકારીઓની સતર્કતાથી સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો હતો.તપાસ દરમિયાન ફ્લાઈટની સીટ નંબર 21-B ની નીચે કાળા વેલ્વેટના કપડામાં રાખેલી નાની થેલી મળી આવી હતી.આ થેલીમાંથી સોનાના કડા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત અંદાજે રૂ. 36.89 લાખ હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એરપોર્ટ પર કડક ચેકિંગ જોઈ તસ્કર સોનું પ્લેનમાં જ મૂકી ભાગી ગયો હોઈ શકે છે.કસ્ટમ વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સોનાના માલિક સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.સુરત એરપોર્ટ પર દાણચોરો દ્વારા અપનાવવામાં આવેલી આ નવી પદ્ધતિએ તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.
સુરત એરપોર્ટ પર સોનાની સ્મગલિંગ ઝડપાઈ