સુરત ACB દ્વારા હાથ ધરાયેલી ટ્રેપ કાર્યવાહીમાં લાંચ લેવાના કેસમાં માતા અને પુત્ર બંને કાયદાના સકંજામાં આવી ગયા છે. ખેતીવાડી શાખામાં સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતી રૂપલ પરેશકુમાર ટેલરે સહકર્મચારીઓના પ્રવાસ ભથ્થાં અને LTC બિલ પાસ કરવા બદલ ₹62,500ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવતા ₹30,000ની લાંચની રકમ સ્વીકારવા આવેલા રૂપલ ટેલરના 19 વર્ષીય પુત્ર જીલ ટેલરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે જીલ ટેલર હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.ACBની વધુ તપાસમાં લાંચની સમગ્ર રકમ અને કાવતરામાં માતા રૂપલ ટેલરની સંડોવણી બહાર આવતાં તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.માત્ર ₹54 હજારના માસિક પગાર છતાં લાંચની લાલચમાં માતાએ પોતાના પુત્રને પણ ગેરકાયદેસર કૃત્યમાં સામેલ કર્યો હતો. જેના કારણે હવે યુવાન પુત્રનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે.ACB દ્વારા બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.