"સુરત ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો, ₹1.93 લાખનું ડ્રગ્સ જપ્ત''
સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પુણા ખાડી રોડ પરથી એમ.ડી. (MD) ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 64.53 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, જેની અંદાજિત કિંમત ₹1.93 લાખ થાય છે, તે જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપી ડ્રગ્સ છૂટક વેચાણ માટે લાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પુણા ખાડી રોડ પરથી આરોપીની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે પુણા ખાડી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન યુનુસ ઉર્ફે યુનુસબાણુ કાદર શેખ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની તપાસ કરતાં તેની પાસેથી 64.53 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે ₹1.93 લાખ હોવાનું સામે આવ્યું છે.
સરથાણા વિસ્તારમાંથી ખરીદી છૂટક વેચાણ માટે લાવ્યો
સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણા ખાડી રોડ પરથી યુનુસબાણુ કાદર શેખને 64.53 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો., ₹1.93 લાખનું ડ્રગ્સ જપ્ત કરી NDPS હેઠળ ગુનો નોંધ્યો...
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે સરથાણા જકાતનાકા વિસ્તારના એક શખ્સ પાસેથી એમ.ડી. ડ્રગ્સ ખરીદ્યું હતું. આ ડ્રગ્સ શહેરમાં છૂટક વેચાણ કરવા માટે લાવવામાં આવ્યું હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ હવે ડ્રગ્સ સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે તપાસ વિસ્તારી રહી છે.
હત્યાના કેસમાં પણ રહી ચૂક્યો છે સંડોવાયેલો
પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2017માં લિંબાયત વિસ્તારમાં સાબિર નામના વ્યક્તિની હત્યાના કેસમાં પણ આરોપી સંડોવાયેલો હતો. તે કેસમાં આરોપી ચાર વર્ષ સુધી જેલમાં રહ્યો હતો અને વર્ષ 2021માં જામીન પર મુક્ત થયો હતો. હવે ફરી એકવાર તે એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસના હાથે ઝડપાયો છે.
એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
સમગ્ર મામલે સુરત ડીસીબી પોલીસ મથકે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને પહોંચાડવાનું હતું અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.