સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 90 વર્ષના વૃદ્ધે પોતાની પ્રામાણિકતા અને ઈમાનદારીથી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. માંડવીના ધોબણી નાકા પાસે આવેલી ગાયત્રી ફરસાણની દુકાનમાં એક વેપારી ભૂલથી અંદાજે ₹85 હજારની રોકડ ભરેલી થેલી મૂકી ગયા હતા. જોકે, આ થેલી એક વૃદ્ધને રસ્તામાં મળી આવતા તેમણે કોઈ લાલચ રાખ્યા વિના સીધી પોલીસને સોંપી દીધી હતી. વૃદ્ધની આ નિઃસ્વાર્થ ઈમાનદારીની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.
₹85 હજારની રોકડ ભરેલી થેલી પરત કરી 90 વર્ષના વૃદ્ધે મહેકાવી માનવતા, માંડવીમાં ઈમાનદારીનું અનોખું ઉદાહરણ
મળતી માહિતી મુજબ, વ્યારાના અથાણાના વેપારી જયકુમાર પ્રેમચંદ સિંધિ માંડવીના ધોબણી નાકા પાસે આવેલી ગાયત્રી ફરસાણની દુકાનમાં નાસ્તો કરવા માટે આવ્યા હતા. નાસ્તો કરીને તેઓ ઉતાવળમાં પોતાની અંદાજે ₹85 હજારની રોકડ ભરેલી થેલી ત્યાં જ ભૂલી ગયા હતા. થોડા સમય બાદ તેમને થેલી ગુમ થયાની જાણ થતાં તેમણે તાત્કાલિક માંડવી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
વેપારીની ફરિયાદ મળતાં જ માંડવી પોલીસે થેલીની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન પીપલવાડા ગામના 90 વર્ષીય રમેશભાઈ સુકાભાઈ ચૌધરી દવાખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં એક થેલી મળી આવી હતી. ઘરે પહોંચીને તેમણે થેલી તપાસી તો તેમાં મોટી રકમ હોવાનું જાણવા મળ્યું. છતાં તેમણે પૈસા પોતાના પાસે રાખવાનો વિચાર પણ કર્યો નહીં.
રમેશભાઈ તરત જ પોતાના પુત્ર સાથે માંડવી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મળેલી થેલી પોલીસને સોંપી દીધી હતી. પોલીસે જરૂરી તપાસ અને ઓળખની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ થેલી તેના મૂળ માલિક જયકુમાર પ્રેમચંદ સિંધિને પરત આપી હતી. પોતાની મહેનતની મોટી રકમ સુરક્ષિત રીતે પરત મળતાં વેપારીએ પોલીસ તેમજ રમેશભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
90 વર્ષની વયે પણ રમેશભાઈએ દાખવેલી નિખાલસ પ્રામાણિકતા સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આજના સમયમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત હોવાનો આ બનાવ ઉત્તમ દાખલો બની રહ્યો છે. સ્થાનિક લોકોએ પણ રમેશભાઈના આ કાર્યને બિરદાવીને તેમને સાચા અર્થમાં સમાજના આદર્શ નાગરિક ગણાવ્યા હતા.