સુરત પૂર બાદ હર્ષ સંઘવીની મોડી રાત્રે સમીક્ષા બેઠક..

સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને અસરગ્રસ્તોને ઝડપથી સહાય પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સુરતમાં પૂર બાદની સ્થિતિની હર્ષ સંઘવીએ મોડી રાત્રે સમીક્ષા કરી, અસરગ્રસ્તોને સહાયનો ભરોસો

મળતી માહિતી મુજબ, સમીક્ષા બેઠકમાં શહેર અને જિલ્લાના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી, યુદ્ધના ધોરણે હાથ ધરાયેલા સફાઈ અભિયાન, રસ્તાઓ અને જાહેર સ્થળોને સામાન્ય સ્થિતિમાં લાવવાના પ્રયાસો તેમજ અસરગ્રસ્ત પરિવારોને આપવામાં આવતી જરૂરી સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત બેઠકમાં પૂરથી થયેલા નુકસાનનું તાત્કાલિક અને સચોટ આકલન, અસરગ્રસ્તોને આર્થિક સહાય, કેશડોલ્સ સહિતની સરકારી યોજનાઓનો લાભ ઝડપથી પહોંચાડવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે વધુ સારી સંકલિત કામગીરી કેવી રીતે સુનિશ્ચિત કરવી તે મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના પરવત પાટિયા અને ડુંભાલ જેવા પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર પહોંચીને વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો તેમજ સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ અને અસરગ્રસ્ત નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે લોકોની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તેમની સાથે સંપૂર્ણ રીતે ઉભું છે અને જરૂરી તમામ સહાય ઝડપથી પહોંચાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરીને નિયમો મુજબ સહાયની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

હાલ સુરતમાં પૂર બાદ સામાન્ય જનજીવન પૂર્વવત્ બનાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે...