સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર બાદ ચાલી રહેલી રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ તેમજ વીમા કંપનીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પૂરગ્રસ્તોને આપવામાં આવેલી સહાય, વીમા ક્લેમની સ્થિતિ, વેરા માફી અને સરકાર દ્વારા હાથ ધરાયેલી વિવિધ રાહત યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
સુરત પૂર રાહત કામગીરીને વેગ, ₹20 કરોડની સહાય ચૂકવાઈ, ₹29 કરોડના વીમા ક્લેમ મંજૂર..
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં પૂરગ્રસ્ત 61,360 લોકોને કેશ ડોલ આપવામાં આવ્યા છે, જ્યારે 29,642 પરિવારોને ઘરવખરી સહાય પહોંચાડવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ₹20 કરોડની સહાય સીધી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારનો પ્રયાસ છે કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ઝડપથી અને પારદર્શક રીતે સહાય પહોંચે.
વીમા ક્લેમ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે પૂરથી થયેલા નુકસાનને પગલે કુલ 5,287 ક્લેમ નોંધાયા છે. તેમાંથી 85 ટકા ક્લેમની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ₹29 કરોડના વીમા ક્લેમ મંજૂર કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓને ચેક પણ આપવામાં આવ્યા છે. જે વીમા કંપનીઓ ધીમી ગતિએ કામગીરી કરી રહી છે તેમને એક અઠવાડિયાની સમયમર્યાદા આપવામાં આવી છે, જ્યારે કેટલીક કંપનીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
વેરા માફી અંગે તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા 3 લાખ 54 હજાર 600 યુનિટને કુલ ₹147 કરોડની વેરા માફી આપવામાં આવી છે. સાથે જ નુકસાનની અરજી માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં નાગરિકો પોતાના નુકસાનના ફોટા અને વીડિયો અપલોડ કરીને સીધી અરજી કરી શકશે. આ વ્યવસ્થાથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને અરજીઓનું ઝડપથી નિરાકરણ આવશે.
ખાડીપૂરના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે વારસાઈ સહિતની જરૂરી વહીવટી પ્રક્રિયાઓ માટે અધિકારીઓ સીધા લાભાર્થીઓના ઘરે જઈ કામગીરી પૂર્ણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર પૂરગ્રસ્ત પરિવારોને ઝડપી રાહત, પારદર્શક વળતર અને તમામ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા માટે સતત કાર્યરત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.