સુરતના સરસાણા કન્વેન્શન હોલમાં 21થી 23 ઓગસ્ટે યાર્ન એક્સ્પો-2026 યોજાશે. હર્ષ સંઘવી ઉદ્ઘાટન કરશે અને દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે.
સુરત યાર્ન એક્સ્પો-2026નું ભવ્ય આયોજન 21થી 23 ઓગસ્ટ દરમિયાન સરસાણા કન્વેન્શન હોલ ખાતે કરવામાં આવ્યું છે. SGCCI અને GFRRC દ્વારા આયોજિત યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક બજાર સાથે વધુ મજબૂત રીતે જોડવા અને યાર્ન ક્ષેત્રમાં આવી રહેલી નવીનતાઓથી ઉદ્યોગકારોને પરિચિત કરાવવાના હેતુથી આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ લેશે ભાગ
યાર્ન એક્સ્પો-2026માં ચીન સહિત દેશ-વિદેશના કુલ 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે. એક જ છત નીચે વિવિધ પ્રકારના યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. તેમાં કોટન અને સિલ્ક જેવા પરંપરાગત યાર્ન ઉપરાંત આધુનિક ટેક્નોલોજી આધારિત ફાયર રિટાર્ડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ યાર્નનો પણ સમાવેશ થશે.
એક્સ્પોના માધ્યમથી સુરતના વિવર્સ, ટેક્સટાઇલ ઉત્પાદકો અને ઉદ્યોગકારોને યાર્ન ક્ષેત્રની નવી વેરાયટી તથા ટેક્નોલોજી વિશે જાણકારી મેળવવાની તક મળશે. નવા પ્રકારના યાર્નનો ઉપયોગ કરીને વિવિધ ફેબ્રિક અને ગાર્મેન્ટ્સ તૈયાર કરવાની શક્યતાઓ અંગે પણ ઉદ્યોગકારોને જાણકારી મળશે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ગ્લોબલ માર્કેટ સાથે જોડવાનો પ્રયાસ
યાર્ન એક્સ્પોનો મહત્વનો હેતુ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ગ્લોબલ માર્કેટ સાથે જોડવાનો છે. નવા અને આધુનિક યાર્નનો ઉપયોગ કરીને સુરતના વિવર્સ વધુ ગુણવત્તાસભર અને આંતરરાષ્ટ્રીય બજારને અનુરૂપ ફેબ્રિક તથા ગાર્મેન્ટ્સ તૈયાર કરી શકે તે માટે એક્સ્પો મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ ઉપરાંત એક્સ્પો દરમિયાન ગ્લોબલ બાયર્સ અને ટેક્સટાઇલ ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ બિઝનેસ મીટિંગ્સનું પણ આયોજન કરવામાં આવશે. જેના કારણે સ્થાનિક ઉત્પાદકોને નવા ખરીદદારો સાથે સીધો સંપર્ક સાધવા અને વ્યવસાયની નવી તકો ઊભી કરવાની તક મળશે.
સુરત દેશના મહત્વપૂર્ણ ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાય છે. ત્યારે 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન યોજાનાર યાર્ન એક્સ્પો-2026 દ્વારા નવા યાર્ન, નવી ટેક્નોલોજી અને વૈશ્વિક બજાર વચ્ચે સીધું જોડાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. એક્સ્પોથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવા ઉત્પાદનો વિકસાવવા અને એક્સપોર્ટ વધારવા માટે નવી તકો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
