સુરત સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા એક હૃદયસ્પર્શી અને અનોખી પહેલ હેઠળ ત્રણ નાની લક્ષ્મી સમાન બાળકીોને નવા પરિવારોને દત્તક સોંપવામાં આવી છે.સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં આયોજિત વિશેષ એડોપ્શન કાર્યક્રમ દરમિયાન તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકીઓને તેમના નવા પરિવારોને સોંપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, તરછોડાયેલી આ બાળકીઓને શિશુગૃહમાં સુરક્ષિત ઉછેર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારની સત્તાવાર CARA (Central Adoption Resource Authority) સ્કીમ હેઠળ નિયત પ્રક્રિયા અને ચકાસણી બાદ પરિવારોની પસંદગી કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળક દત્તક લેવા ઇચ્છતા વાલીઓ માટે CARA પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સાથે જ કોઈપણ બાળકને બિનવારસી હાલતમાં છોડવાને બદલે તેની સુરક્ષા માટે બાળ સંરક્ષણ ગૃહ અથવા સંબંધિત તંત્રને સોંપવાની અપીલ પણ કરવામાં આવી હતી.આ સમગ્ર દત્તક પ્રક્રિયાને સફળ બનાવવા બદલ બાળ કલ્યાણ સમિતિ (CWC), સમાજ સુરક્ષા વિભાગ, પોલીસ તંત્ર તેમજ અન્ય સંકળાયેલા વિભાગોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંપૂર્ણ પારદર્શક અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બાળકોને નવા પરિવારોને સોંપવામાં આવે છે, જેથી બાળકના ભવિષ્ય અને સુરક્ષાની સંપૂર્ણ ખાતરી થઈ શકે.